(પ્રતિનિધિ) તણખલા,તા.23
નસવાડીમાં ગોળી બિસ્કીટના હોલ સેલ વેપારીના ત્યાં જીએસટીના અધિકારીઓએ દરોડા પાડી કલાકો બંધ બારણે સર્ચ ઓપરેશન હાથ ધરતા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી ટાઉન વિસ્તારમાં આવેલી અબ્દુલ સત્તાર ટ્રેડર્સ નામની દુકાન, ગોડાઉન અને ઘરમાં જીએસટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમ્યાન દુકાનના માલિકનાં ઘરે દુકાન અને ગોડાઉનમાં અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં પાન મસાલા ગોળી બિસ્કીટ હોલ સેલમાં જથ્થા બંધ વેપારીનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. તાલુકામાં સૌથી વધુ પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. વિમલ પાન મસાલાની જિલ્લાની એજન્સી ધરાવતા વેપારીને ત્યાં રેડ પડતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અબ્દુલ સત્તાર ટ્રેડર્સની દુકાનમાં રેડ પડતા ઘર અને ગોડાઉનમાં સવાર થી સાંજ સુધી તપાસ કરવામાં આવી હતી. રેડ પડતા દુકાનો ના સટર પાડી દેવામાં આવ્યા જ્યારે રેડ કરવા માટે આવેલા અધિકારીને મીડિયા ના કેમેરા સામે જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે મીડિયા દ્વારા અબ્દુલ સત્તાર ટ્રેડર્સનાં માલિકને પૂછતા એવું જણાવ્યું હતું કે આ દુકાન મારી નથી કલાકો સુધી બંધ બારણે ગોડાઉનમાં અધિકારીઓનું સર્ચ ઓપરેશન હવે જોવાનું રહ્યું કે તપાસમાં કઈ નીકળે કે ઘીના ઠામ ઘીમાં ભળે છે.