(પ્રતિનિધિ) ગોધરા, તા.૨૩
જાતિના દાખલા મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને નિવારવામાં સરકારી તંત્ર સરિઆમ નિષ્ફળ પૂરવાર થતાં બાળકોને શિક્ષણનો બહિષ્કાર કરી શાળાએ જવાનું બંધ કર્યું હોવાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. મહિસાગર જિલ્લામાં બે દિવસથી વકરેલા આ વિવાદને કારણે શાળાઓ બાળકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ મામલે ખાનપુર તાલુકાની લવાણા પ્રાથમિક શાળામાં ૧૭૯ બાળકોની સંખ્યા સામે માત્ર ત્રણ બાળકો હાજર રહ્યા હતા.
જયારે નવાગામની શાળાના ૨૦૦ બાળકો પૈકી માત્ર ૧૦, ઉડાવાની ૯૦ બાળકોની સંખ્યા છતાં એકપણ બાળક હાજર રહ્યો ના હતો. ખાનપુર તાલુકામાં આદિવાસી સમાજના લોકોમાં દાખલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વાલીઓ દ્વારા જાતિનું પ્રમાણપત્ર ના મળે ત્યાં સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી તેનો અમલ શરુ કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. ખાનપુર તાલુકાની ર૧ શાળાના બાળકો ગેરહાજર રહેવાના પોતાના નિર્ધાર ઉપર મક્કમ રહ્યા છે. આદિવાસી સમાજ છેલ્લા ઘણા સમયથી જાતિના દાખલાની માંગણી કરતો હતો પરંતુ તે માંગ ના સંતોષાતા રોષ ફાટી નીકળ્યો છે. જેના કારણે બાળકો શિક્ષણથી વંચિત છે.
રિપોર્ટ: કંદર્પ પંડયા, ગોધરા