પાદરામાં પરિણીતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ગંદા મેસેજ મોકલનાર શખ્સ અચાનક તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. અને તેણીની સાથે જબરદસ્તી કરી હતી. જો કે, મહિલાએ તેનો પુરી તાકાત સાથે વિરોધ કરતા તેના બદઇરાદા પાર પડ્યા ના હતા . આખરે બદઇરાદા સાથે ઘરમાં પ્રવેશેલો શખ્સ ચાકુની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાદરામાં પરિણીતા તેના પતિ તથા પરિવાર સાથે રહેતી હતી. પરિણીતાને આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર ગંદા-ગંદા મેસેજ મોકલવામાં આવતા હતા. સાથે જ આદિલ પરિણીતાને બિભત્સ વીડિયો પણ મોકલતો રહેતો હતો. આ વચ્ચે તાજેતરમાં મહિલાના પતિ ઘરે હાજર ના હતો તે આરસામાં આદિલ મહિલાના ઘરે અચાનક ઘૂસી આવ્યો હતો.
ત્યાર બાદ આદિલે મહિલા સાથે જબરદસ્તી કરીને શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જેનો પરિણીતાએ પુરી તાકાતથી વિરોધ કરતા તે અટક્યો હતો. જે બાદ આદિલે પરિણીતાને ચાકુ બતાવીને આ બાબતની જાણ કોઇને કરશે, તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં વધુમાં ધમકી આપતા તેણે કહ્યું કે, તારા પતિને ખોટા કેસમાં ફસાવી દઇશ
આખરે આ ઘટનાનો ભોગ બનનાર મહિલાએ આબરૂ લેવાનો પ્રયાસ કરનાર આદિલભાઇ આરીફભાઇ મલેક (રહે. ટાવર રોડ, પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.