શહેરના નાગરવાડાના ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા મુસ્લિમ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે બીજા દિવસે સંગમ ચાર રસ્તાથી ફતેપુરા રોડ ઉપરના કાચા – પાકા શેડ તેમજ ગેરકાયદેસર ઊભેલી લારીઓના દબાણો દૂર કર્યા હતા. એક તબક્કે વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે કોઈ અપ્રિય ઘટના બની ન હતી. દુકાનદારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કરી દીધા હતા.
શહેરના નાગરવાડા વિસ્તારના ભાજપાના પૂર્વ કાઉન્સિલર તપન પરમારની માથાભારે બાબર પઠાણ અને તેના સાગરીતો દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા મુસ્લિમ વિસ્તારોમાંથી પસાર થતા મુખ્ય માર્ગો ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મંગળવારે સાંજે મચ્છી પીઠ, સલાટવાળા, તાંદલજા વિસ્તારના રોડ ઉપરના ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા. તે બાદ આજે સવારથી સંગમ ચાર રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર ગેરકાયદેસર રસ્તા ઉપર ઉભી કરી દેવાયેલી લારીઓ તેમજ દુકાનદારો દ્વારા બનાવી દેવામાં આવેલા કાચા- પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા જેસીબી, ડમ્પર સાથે દબાણો દૂર કરવા માટે ફતેપુરા ખાતે પહોંચી ગઈ હતી. પરંતુ સમયસર પોલીસ બંદોબસ્ત ન મળવાના કારણે બે કલાક સુધી દબાણ શાખાની ટીમને ઉભા રહેવાની ફરજ પડી હતી. પોલીસ બંદોબસ્ત મળ્યા બાદ દબાણ શાખાની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે તે પૂર્વે રોડ ઉપરની લારીઓના માલિકો તેમજ દુકાનદારો દ્વારા પાલિકાની દબાણ શાખાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે “માત્ર મુસ્લિમ વિસ્તારને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે, વડોદરા શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર દબાણો થયેલા છે. દારૂના અડ્ડાઓ પણ ચાલી રહ્યા છે તે દબાણો દૂર કરવા તંત્ર કેમ ખચકાય છે ?” તેવા સવાલો સાથે રોષ ઠાલવ્યો હતો. જો કે તે જ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના શેડના દબાણો દૂર કરવાની શરૂઆત કરી દીધી હતી. પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કોઈ અપ્રિય ઘટના બની ન હતી અને શાંતિપૂર્ણ રીતે રસ્તા ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી હતી.
વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા આજે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સંગમ – ફતેપુરા રોડ ઉપર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા એક તબક્કે આ રોડ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોવાઈ ગયો હતો. પાલિકા દ્વારા રોડ ઉપરની ગેરકાયદે લારીઓ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.