૧૭ લાખની માંગણી કરી અને ૧૨ લાખમાં ડીલ પાકી થઇ હતી
દાહોદના ચોસાલા ગામની કેદારનાથ આશ્રમ શાળાના સંચાલક દ્વારા ધારા ધોરણ મુજબ શિક્ષકની નોકરી માટે પસંદગી પામેલા ઉમેદવારને નોકરીએ હાજર કરવાની અવેજીમાં રૂપિયા ૧૭ લાખની માગણી કરાયાનો સ્ફોટક આક્ષેપ કરી કેટલાક વિડીયો પણ પુરાવા રૂપે જાહેર કરવામાં આવતા શિક્ષણ જગતમાં ભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ ખાતે વિદ્યાર્થી નેતા અને એક્ટિવિસ્ટ યુવરાજસિંહ જાડેજાએ આશ્રમ શાળા સામે ગંભીર આક્ષેપો કરી નિષ્પક્ષ અને તટસ્થ તપાસની માગણી પણ કરી છે. જેના પર આરોપ લગાવવામાં આવ્યો છે તે ટ્રસ્ટી (પ્રમુખ) બચુભાઈ એન કિશોરી જે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પૂજ્ય પિતાશ્રી છે. નિમણૂક લેવા પહોંચેલા શિક્ષકોએ જ તેમનું સ્ટીંગ કરી દીધું હતું. જ્યારે આની સત્યતા હોવાની ખરાઈ યુવરાજસિંહે કરી છે. જેમાં૧૭ લાખની માગણી કરવામાં આવી હતી. જોકે કેટલીક રકઝકને અંતે ૧૨ લાખમાં ડીલ પાકી થાય છે. આ વાત છે દાહોદના ચોસાલા ગામની આશ્રમશાળાની. દાહોદના ચોસાલાની કેદારનાથ આશ્રમ શાળામાં ધોરણ છ થી આઠના ગણિત તેમજ વિજ્ઞાનના શિક્ષક માટે જગ્યા બહાર પાડવામાં આવી હતી. અને નિયમ મુજબ તારીખ ૩૦-૮-૨૦૨૪ ના રોજ તે જગ્યા માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા હતા. અને ધારા ધોરણ પ્રમાણે ઉમેદવારો પસંદગી પણ પામ્યા હતા. ત્યારબાદ નિમણૂક આપવા માટે ઉમેદવાર પાસેથી રૂપિયા ૧૭ લાખ જેટલી માતબર રકમની માગણી કરવામાં આવી હોવાનો યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કર્યો છે.
માજી ધારાસભ્ય બચુ કિશોરી સામે પગલાં ભરવા માંગણી
એક ઉમેદવાર દ્વારા યુવરાજસિંહ ને ફરિયાદ મળતા તેઓએ તેની સત્યતા અને તથ્યતા ચકાસી હતી. જેમાં આશ્રમ શાળાના ટ્રસ્ટી દ્વારા ઉમેદવાર પાસે પૈસાની માગણી કરવામાં આવી હતી. જેનો વિડીયો, ઓડિયો તેમજ અન્ય પુરાવાઓ યુવરાજસિંહ દ્વારા દાહોદ મીડિયાને પણ આપવામાં આવ્યા છે. અને આ મામલે યુવરાજસિંહે દાહોદ કલેકટર, દાહોદ પ્રાયોજના વહીવટદાર, દાહોદ જિલ્લા પોલીસ વડા, દાહોદ જિલ્લા આદિજાતિ વિકાસ કમિશનર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી વગેરેને આવેદનપત્ર આપી કેદારનાથ આશ્રમ શાળાના ટ્રસ્ટી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવાની માગણી કરવાની માંગણી કરી છે. આ મામલે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ એક ઉદાહરણ રૂપ ઘટના છે આવી તો અસંખ્ય ગેર રીતિઓ થતી હોય છે. પરંતુ તે સામે નથી આવતી. અમે તો એકની માહિતી સામે લાવી શક્યા છીએ. બાકી ભૂતકાળમાં આવી સેંકડો ભરતી થઈ છે. આ પ્રકારની તમામ ભરતીઓની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે. આ ભરતી બાબતે સરકાર તાત્કાલિક એક્શન લઈ સંચાલકને કાયમી માટે બરતરફ કરી તેની સામે ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરે. બીજી અન્ય શાળાઓમાં પણ સરકાર દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી જ્યાં પણ ક્ષતિઓ કે ત્રુટીઓ સામે આવે તેને પણ સરકાર દ્વારા દૂર કરવામાં આવે.