30 દિવસમાં હાજર ન થાય તો મિલકતો જપ્ત કરાશે
દાહોદના બહુચર્ચિત નકલી એન એ કૌભાંડના સૂત્રધાર ગણાતા અને જેવો વિરુદ્ધ વોરંટ કાઢવા છતાં કોર્ટ સમક્ષ હાજર ન થતા અને નાસતા ફરતા દાહોદના કુતબી રાવત તથા રામુ પંજાબી સામે વધુ કાર્યવાહીના ભાગરૂપે સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું પોલીસ દ્વારા બંનેના ઘર પર તથા શહેરની જાહેર જગ્યાઓ પર ચોંટાડવામાં આવતા અને આગામી દિવસોમાં કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી જોગવાઈની જાહેરાત દાહોદ ડીવાયએસપી ભંડારીએ કરતા શહેરભરમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
દાહોદના બહુચર્ચિત નકલી એન એ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા દાહોદના શૈશવ પરીખ સહિત પાંચેક જેટલા લોકોને સૌ પ્રથમ જેલના હવાલે કર્યા હતા. ત્યારબાદ જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ સંડોવાયેલા લોકોની સંખ્યા પણ વધતી ગઈ. અને તેમ તેમ તે લોકોની ધરપકડ કરી જેલના હવાલે કરવામાં આવ્યા. તેમાંના બે જણાને પ્રીમિયમની રકમ ભરી હોવાને કારણે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બાકીનાઓ જામીન મળવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજીસ્ટર નંબર ૬૯૭/૨૦૨૪ ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૩૪,(૧૨૦)બી મુજબના ગુનાના અન્વયે આરોપી તરીકે જાહેર થયેલા કુતબુદ્દીન નુરૂદ્દીન રાવત ઉર્ફે કુતબી રાવત સામે સીઆરપીસી ૭૦ મુજબ નું વોરંટ કાઢવામાં આવ્યું હતું. અને તે વોરંટ અન્વયે તેઓ મળી નહીં આવતા અને હાજર નહીં રહેતા નામદાર કોર્ટમાં આ મામલે પોલીસે દરખાસ્ત કરી તેમની સામે સીઆરપીસી 82 મુજબનું જાહેરનામું મેળવ્યું છે. જેમાં નામદાર કોર્ટે આદેશ કર્યો છે કે તારીખ ૨૦-૧૨-૨૦૨૪ સુધીમાં જો હાજર નહીં થાય તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગળની કાર્યવાહીમાં સીઆરપીસી 83 મુજબ તેમની સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી પણ થઈ શકે છે. જેથી આજે શુક્રવારે અત્રે સીઆરપીસી 82 નું જાહેરનામું છે. જે જાહેરનામાને પોલીસે પંચો રૂબરૂ, લોકો રૂબરૂ વાંચી સંભળાવી એમના પરિવારને પૂરતી સમજ કરી તેમની દિવાલ પર ચોંટાડવામાં આવ્યું છે. એ સિવાય દાહોદની જનતા જ્યાં જ્યાં જોઈ શકે તેવી તમામ જાહેર જગ્યાએ લગાડવાની પ્રક્રિયા પણ પોલીસે હાથ ધરી છે. એના થકી જાણ કરવામાં આવે છે કે,
તારીખ 20-12/2024 સુધીમાં જો હાજર નહીં થાય તો તેના વિરુદ્ધમાં આગળની કાર્યવાહી ચોક્કસ પણે હાથ ધરવામાં આવશે. કુતબી રાવત સિવાય રામકુમાર સેવકરામ ઉર્ફે રામુ પંજાબી નામના વ્યક્તિ સામે પણ એ જ રીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને તેના ઘરે અને દાહોદની જનતા જ્યાં જ્યાં જોઈ શકે તેવી તમામ જાહેર જગ્યાએ જાહેરનામું ચોટાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓ નામદાર કોર્ટ સમક્ષ અથવા ડીવાયએસપી દાહોદ સમક્ષ હાજર નહીં થાય તો તેમની સામે સીઆરપીસી 83 મુજબ તેમની મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આમ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી પોલીસે ફરાર આ બંને આરોપીઓ પર સિકંજો વધુ કસ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ બંને ફરારી આરોપીઓ કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર થાય છે કે પછી પોલીસ દ્વારા તેમની સંપત્તિ ટાંચમાં લેવામાં આવે છે તે હવે જોવું રહ્યું!!!