(પ્રતિનિધિ) કાલોલ,તા.20
પ્રાંત અધિકારીએ વેજલપુરની મુલાકાત લઇ બાકી રહી ગયેલા દબાણો હટાવવા આદેશ આપ્યો
કાલોલ તાલુકાના વેજલપુરમાં મંગળવારે બજારમાં ઉચ્ચક અને પ્રગતિપથ પરના 61 ગેરકાયદે કેબિનો હટાવવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રહેતા બુધવારે વેજલપુરના સર્કલ રોડ પરના વધુ 13 ગેરકાયદે કેબિનો હટાવ્યા હતા. દબાણ હટાવ કામગીરી દરમ્યાન બુધવારે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારીએ મુલાકાત લઈને નોટિસ આધારિત સંપૂર્ણ દબાણો હટાવવાનો આદેશ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રાંત કલેકટરના આદેશને પગલે મુખ્ય બજાર અને ટાવર રોડ ગણાતા પ્રગતિપથ પરના ટ્રાફિકને અવરોધક બનેલા ગેરકાયદે એવા 61 કેબિનોના દબાણો અંગે મંગળવારે સજ્જડ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગ્રામ પંચાયતના રેકોર્ડ અનુસાર બજારના ઉચ્ચક દબાણો સાથે ટાવર રોડ પરના 61 કેબિનો ઉપરાંત અડાદરા રોડ પર આવેલા સર્કલ સ્થિત અન્ય 13 કેબિનો પણ નિશાન પર હોય બુધવારે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને તાલુકા વિકાસ અધિકારી સંજય ચૌહાણ સહિતની વહીવટી તંત્રની ટીમોએ બુધવારે વધુ 13 કેબિનો સાફ કર્યા હતા. મંગળવારે સાંજે 61 કેબિનો પૈકી મોડી સાંજે માલસામગ્રી ધરાવતા અને ફર્નિચર ધરાવતા કેટલાક કેબિનો છુટી ગયા હોવાથી બુધવારે સવારે વધુ એકવાર કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને ટીડીઓ સંજય ચૌહાણે સ્થળ તપાસ કરી બાકી રહી ગયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આમ બુધવારે ટાવર રોડ પરના 61, તેમજ અડાદરા રોડ પરના સર્કલ પાસેના વધુ 13 કેબિનો અને કે.કે હાઈસ્કૂલ સ્થિત ગરનાળા પરની એક દુકાન મળીને કુલ 75 ગેરકાયદે દબાણોનો સફાયો કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે દબાણ હટાવ કામગીરી અંગે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારીએ પણ વેજલપુરમાં દબાણ હટાવ કામગીરી અંગે સ્થળ તપાસ કરી નોટિસો મુજબના બાકી રહી ગયેલા તમામ દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો.
ભરતસિંહ સોલંકી