વડોદરા,તા.20-11-2024
નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કાઉન્સીલર રમેશ પરમાર ઉર્ફે રાજાના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની નજર સામે થયેલી ઘાતકી હત્યાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઇ છે. પોલીસ તંત્ર સામે પ્રજાનો આક્રોશ વધી રહ્યો છે ત્યારે મંગળવારે ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકા દ્વારા નાગરવાડા અને સલાટવાડા વિસ્તારમાં ખાણી પીણીના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જોકે ભ્રષ્ટ તંત્રને કારણે આવા દબાણો અનેક વખત દુર કરાયા છતાં તે ફરી વખત લાગી જાય છે અને સાંજના સમયે આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બને છે. મંગળવાર સાંજ બાદ રાત્રે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને આધારે ક્રાઇમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નર હરપાલસિંહ રાઠોડ, જી.બી.બાંભણીયાની આગેવાની હેઠળ કારેલીબાગ પોલીસ કાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમા છ શખ્સો ધારદાર છરા અને ચાકુ સાથે ઝડપાયા બાદ હિસ્ટ્રીશયર, નાસતા ફરતા, તડીપાર બુટલેગરોને ચેક કરવામાં આવ્યા હતા. પોલીસે ધારદાર હથિયારો સાથે ઝડપાયેલા છ આરોપી સામે ગુનો નોંધી તેમની સઘન પુછપરછ હાથ ધરી છે.