દેવગઢબારિયા તાલુકાના મોટા ખજુરી ગામની મહિલાને સંતાન થતા ન હોવાના કારણે તથા પતિને તેના સગા ભાઈની પત્ની સાથેના આડા સંબંધના કારણે પતિ-પત્ની વચ્ચેઢ અવારનવાર થતાં ઝઘડાએ ગંભીર રૂપ લેતા પતિએ પત્નીને છાતીના ભાગે તેમજ શરીરે માર મારી, ગળું દબાવી મોતને ઘાટ ઉતારતા બારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢબારિયા તાલુકાના મોટી ખજૂરી ગામના ડેમ ફળિયામાં રહેતા દિલીપભાઈ મંગા ભાઈ બારીયાની પત્ની ૩૫ વર્ષીય મંજુલાબેનને કોઈ સંતાન થતા ન હોઈ તે બાબતે મંજુલાબેન સાથે પતિ દિલીપભાઈ અવારનવાર ઝઘડો તકરાર કરતો હોઈ તેમજ દિલીપભાઈ તેના સગા ભાઈ વિજયભાઈ મંગાભાઈ બારીયાની પત્ની સવિતાબેન સાથે આડા સંબંધ ધરાવતા હોય તે બાબતે બંને પતિ- પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો તકરાર થતા હોઈ મંજુલાબેનને માનસિક અને શારીરિક રાસ આપતો હોઇ ગઈ કાલ તારીખ ૧૭-૧૧- ૨૦૨૪ના રોજ રવિવારે સવારે પતિ પત્ની વચ્ચેના ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ક્રોધાવેશમાં આવેલા દિલીપભાઈ મંગાભાઈ બારીયાએ પોતાની પત્ની મંજુલાબેન બારીયાને છાતીના ભાગે તેમજ શરીરે માર મારી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સંબંધે મરણ જનાર મંજુલાબેન બારીયાના પિયર પક્ષના દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામના વન ફળિયામાં રહેતા ૫૬ વર્ષીય કનકસિંહ રતનસિંહ બારીયાએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આ સંદર્ભે મોટી ખજૂરી ગામના ડેમ ફળિયામાં રહેતા પત્નીના હત્યારા દિલીપભાઈ મંગાભાઈ બારીયા વિરુદ્ધ બી.એન.એસ ૧૦૩(૧),૮૫ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.